7 થી 9 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશન સેન્ટર ખાતે ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એક્સ્પોમાં 15 હજારથી વધુ વેપારી મુલાકાતીઓએ અહીં ભાગ લીધો અને આ દરમિયાન 500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો.

ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશ સેન્ટર ખાતે પ્રિન્ટર્સ કલબ પ્રા લિ દ્વારા ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એકક્સ્પોનું ખૂબ જ સફળતા સાથે સમાપન થયું. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગાંધીનગર ના મેયર મીરાબેન પટેલ દ્વારા આરંભ કરવામાં આવેલ ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એકક્સ્પોમાં દેશભરમાંથી 15 હજારથી વધુ વેપારી મુલાકાતીઓએ અહીં ભાગ લીધો અને આ દરમિયાન 500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે તેના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. મયંક નાયકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં પ્રિન્ટર્સ ક્લબ દ્વારા પ્રથમ વખત પ્રિન્ટિંગ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર જ એકસ્પો જબરદસ્ત સફળ રહ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે ગુજરાત અને ઉદ્યોગમાં નવીનતાને હંમેશા આવકારવામાં આવે છે અને અહીંના લોકો વિકાસની દિશામાં ઝડપથી આગળ વધવામાં માને છે. નાયકે ગાંધીનગર આવવા બદલ દેશભરમાંથી પ્રદર્શકો અને મુલાકાતીઓનો આભાર માન્યો હતો. આ સમારોહમાં પ્રિન્ટર્સ ક્લબ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર નીતિન નામદેવ, આદિત્ય સિંધ, લલિત કુમાવત, જનરલ મેનેજર મોહિત શર્મા, પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ મુકેશ પડસાળા, ગુજરાત રાજ્યના જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ રાજેશ બારહટ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં સાંસદ મયંક નાયકે તેલંગણા પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ દયાકર રેડ્ડી, પ્રકાશ ભાસ્કર અને રાવલ ટ્રેડિંગ કંપનીના ડિરેક્ટર નિલેશ રાવલ, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્ટિંગ વિભાગના એચઓડી દેવાંગ રાવલનું એકસ્પોના આયોજનમાં યોગદાન બદલ સન્માન કર્યું હતું. પ્રિન્ટર્સ ક્લબ ઓફ ઇન્ડિયાના ડિરેકટર્સ નીતિન નામદેવ, આદિત્ય સિંહ, લલિત કુમાવતે તેમના સંબોધનમાં દેશભરના તમામ પ્રદર્શકો અને મુલાકાતીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં પ્રથમવાર પ્રિન્ટિંગ ઉદ્યોગને લગતું આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પ્રથમ વખત, આ એક્સ્પોને પ્રદર્શકો અને મુલાકાતીઓ તરફથી ભારે પ્રોત્સાહન મળ્યું. ત્રણ દિવસમાં લગભગ 25 હજાર ગંભીર વેપારી મુલાકાતીઓએ અહીં એકસ્પોની મુલાકાત લીધી, જે પોતાની રીતે એક રેકોર્ડ છે. જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, ગુવાહાટી, ચેન્નાઈ, બેંગ્લોર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, એમપી, યુપી સહિત દેશનું એક પણ રાજ્ય એવું નથી કે જેના પ્રતિનિધિ એકસપોમાં પહોંચ્યા ન હોય. એકસ્પોમાં ગુજરાતની સાથે લગભગ 15 રાજ્યોની કંપનીઓએ તેમના બૂથ ઉભા કર્યા હતા. જ્યાં પ્રિન્ટીંગ ઉદ્યોગની અદ્યતન મશીનો, સાધનો, એસેસરીઝ અને આધુનિક ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ એકસ્પોની સૌથી ખાસ વાત એ હતી કે એક પણ પ્રદર્શક પોતાનું મશીન પાછું લેવું પડ્યું ન હતું. તમામ મશીનો સ્થળ પર જ બુક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અહીંના તમામ પ્રદર્શકોને ભવિષ્ય માટે પણ સારા ઓર્ડર મળ્યા છે. એક અંદાજ મુજબ એકસ્પોમાં તમામ પ્રદર્શકોને આશરે રૂ. 500 કરોડના ઓર્ડર અને બુકિંગ મળ્યા હતા. તેની સફળતાથી પ્રોત્સાહિત થઈને એકસ્પોના આયોજકોએ આગામી એકસ્પોની ગાંધીનગરમાં જાહેરાત પણ કરી હતી. જેનું આયોજન સપ્ટેમ્બર 2026માં કરવામાં આવશે.
Comments
Post a Comment