પ્રસ્તાવના: સ્મરણ યાત્રા લેખક જશીબેન નાયક -ઈશ્વર પરમાર

‘યહ ક્હાની હૈ દીયે કી ઔર તુફાન કી !' 


એક દીવો હતો. તેની પાસે ધસી આવ્યું તોફાન : આ વાર્તાનો અંત લખવાની જરૂર ખરી ? દીવો ઠરી ગયો એમ માની લઈને એમ જ સમજી લેવાનું કે થઈ વાર્તા પૂરી ?

ના જી, એ બે વાક્યો પછી જ તો વાર્તા શરૂ થાય છે અને એનો અંત તો આવો ઉત્સવી છે : ‘પચાસ પચાસ દીવાઓ પ્રગટાવો ! પચાસ પચાસ ઘંટારવ વગડાવો !'

આરંભના બે વાક્યો પછી આગળ વધતી સાચી વાર્તા તો આ મુજબ છે : .... એ તોરીલા તોફાન થકી દીવો ન ડર્યો કે ન ઠર્યો. એ તો જોતજોતામાં ઊંડો શ્વાસ લેતાંકને બની બેઠો ઝળહળતી મશાલ, એ મશાલ થકી પહેલા ઓગણપચાસ દીવાના ‘દીવાના’ લશ્કરને દેખીને તોફાને પણ પચાસમો દીવો બનીને કતારમાં જોડાઈ જઈને ટમટમવા માંડ્યું !

દીયા ઔર તુફાન કી યહ કહાની. આમ તો પરીકથા જેવી લાગે છે. પણ કોઈ ‘દીવાના’ માનવ-દીવડા થકી એ
વાસ્તવિક કહાની પણ બની શકે છે. એના પુરાવા પેઠે આપના હાથમાં હાજર છે પુસ્તક – “સ્મરણયાત્રા".        

વાર્તામાં તો હજુય કલ્પનાને અવકાશ છે, પરંતુ આચારકથાનો નાયક જ સત્ય હોય છે. આમ ‘સ્મરણયાત્રા' એ સત્યકથા છે. દેખીતી રીતે આ સુ. શ્રી જશીબેન નાયકની શિક્ષણકાર્યોની કાર્યકથા છે, પરંતુ લેખિકાએ કથાના કેન્દ્રમાં રહેવાને બદલે પોતાનાં જીવન કાર્યોને જ કેન્દ્રસ્થાન આપ્યું છે. 'સ્મરણયાત્રા'નું માનવ-સ્વરૂપે નાયકપદ તો નાયક અટકધારી થય શ્રી રઘુભાઈને અપાયું છે. થઈ ગયેલી ‘યાત્રા'ની કેડી પર ચાલવાથી - વાંચવાથી વાચકને એમાં ઔચિત્ય જણાયા વિના નહીં રહે. નાયક નહીં પણ અધિનાયક એવા શ્રી રધુભાઈનાં પત્ની સુ. શ્રી જશીબેન તેમના સાહસપૂર્ણ જીવનમાં સહધર્મચારિણી રહ્યાં છે. સદ્ભાગ્યે એમની જ કસાયેલી કલમે આ ‘સરસ્વતી-ગાથા' લખાયેલ હોવાથી આપણને વિદ્યાક્ષેત્રની આત્મકથાનક સ્વરૂપની એક વિશ્વસનીય સાહિત્યિક કૃતિ સાંપડી છે.

નાયકનો આંતરિક ધૈર્યપૂર્ણ જુસ્સો જોતાં રિચાર્ડ બાકના પુસ્તક 'જોનાથન સિગલ ની યાદ આપતી અને સાધનહીન દશામાં થયેલ તેમની શિક્ષણ સાધનાને જોતાં તેત્સુકો કુરોયાનાગીના પુસ્તક ‘તોત્તો-ચાન'ની યાદ આપતી આ સ્મરણકથાની પાત્રસૃષ્ટિ અદ્ભૂત છે. એમાં દીન છતાં દૈવતવાળાં પાત્રો સાથી લક્ષ્મણ, ગર પઠાણ, કાકુમા હાજર છે, તો દીવામાંથી દીવા સ્વરૂપે પેટેલા વિદ્યાદીપ સમાન હિંમતભાઈ, સુજ્ઞામલ ગોપલાની, સૂરજમલ, હેમુભાઈ, ભવાનીભાઈ, શકુંતલા શાહ, ચંદ્રકાન્ત પાઠક, વિભા પાર્થસારથી, અશોક સોમપુરા વગેરે ઝળકે છે. સાહિત્યક્ષેત્રના ‘સ્નેહરશ્મિ’, વહીવટીક્ષેત્રના એચ. એમ. પટેલ અને શિક્ષણક્ષેત્રના મૂળશંકર ભટ્ટના નિર્દેશો ‘સ્મરણયાત્રા'માં આપેલ છે. નાયકના પ્રશંસક પંડિત જવાહરલાલ નહેરુ અને શિષ્યા ઈન્દિરા ગાંધીની ઝલક સુખદ આશ્ચર્ય આપે છે. સંકટ સમયની સાંકળ સમા શાંતિભાઈ, વિમળભાઈ, ડૉ. ગાંધી અને છોટુભાઈનો પરિચય વિદ્યાકીય સાહસ માટે આસ્થા જગાવે છે, તો નાયક પુત્રી ઈરાએ તેના પાપુને કરેલ વેલકમનો સાદ હર્ષિત કરે છે, અને બળબળતા બપોરે માતા જશીબેનનો પાલવ ઓઢીને આઠ માસનો પુત્ર પ્રશાંતનો ‘સ્મરણયાત્રા’ના અંતભાગે ‘હવે તમે અમારા ચાર્જમાં છો' એવો સંભળાતો તેનો હેતાવળો હૂંકાર વાચકનાં હૈયાંને કેવું રોમાંચિત કરે છે !

આ સ્મૃતિની સૃષ્ટિમાં સિતારાની જેમ ચમકતા પાત્રોમાં ગરવા ગુરુના સુયોગ્ય શિષ્ય શ્રી વિઠ્ઠલભાઈ ઓઝા, સમજણનાં સાધિકા સુ. શ્રી જશીબેન નાયક, માનવ-મશાલ સમાન શ્રદ્ધેય શ્રી રઘુભાઈ નાયક અને કેળવણીક્ષેત્રે નૂતન કેડી પાડનાર પરમ શ્રદ્ધેય શ્રી હરભાઈ ત્રિવેદી થકી તો આ કથાનું બીજારોપણ શક્ય બન્યું ને આગળ જતાં અનેક શાખા ધરાવતા સારસ્વત વડલા થકી ગુર્જરધરા ધન્ય થવા પામી છે !

શ્રી હરભાઈ ત્રિવેદીને ‘સરસ્વતી' ઉપવનના પ્રથમ માળી તરીકે ઓળખાવી શકાય. સને ૧૯૪૪-૪૫ના ગાળામાં શ્રી રઘુભાઈએ ખરીદેલ મૃતપ્રાય આ શાળા સજીવન રહે તે માટે તેઓ ભાવનગરથી અમદાવાદ-સરસપુરની માવજત-મુલાકાત લેતા રહેતા હતા. જમાઈ-નાયકે આદરેલું તપ ક્યારેક તો અસહ્ય લાગ્યું જ હશે ને ? એ વખતે ‘સ્મરણયાત્રા'ની લેખિકાએ વર્ણવ્યું છે તેમ ‘એમના પહાડી શરીર પર શોભતો સફેદ ખાદીનો ઝભ્ભો અને ધોતિયું અને મો પર પ્રેમનું હાસ્ય જોઈને અમને જાણે વડીલની છાયા મળી હોય એમ લાગ્યું !'

શ્રી હરભાઈ ત્રિવેદીનું પારિવારિક નામ નાનાભાઈ હતું. લેખિકા ‘સ્મરણયાત્રા’ના અંત ભાગે એમને ધન્યભાવે સંભારે છે ! “નાનાભાઈની વિશાળ દૃષ્ટિ અને ઉદાર વ્યવહાર એક શીળી છાયા બનતી. નાનાભાઈ પિતા, ગુરુ અને મિત્ર ત્રણેય છે.

એ હરભાઈ ત્રિવેદીએ ગરીબ બાળકો માટે જ કામ કરવાનો નાયક-દંપતીનો નિશ્ચય જાણ્યો એ દિવસથી સરસ્વતી વિદ્યાલયના વિકાસમાં રસ લેવાનું શરું કર્યું તે જીવનના છેલ્લા દિવસો સુધી.

કથાનાયક રઘુભાઈને ‘સ્મરણયાત્રા'ના પ્રથમ પરિચ્છેદથી કથા-પ્રવેશ કરાવાયેલ છે. ભાવનગર ખાતેની શૈક્ષણિક સંસ્થા “ઘરશાળા માં કાર્યરત તેઓ મોડી સાંજે પોતાની જૂની-પુરાણી સાઈકલ પર ઘેર પહોંચે છે. ભારતમાતાની સ્વતંત્રતા અને સ્વતંત્રતા પછીનું ઘડતરકામ એમને ‘ઘરશાળા'માં બોલાવી લાવ્યું હતું. ભારતદેશની સીમા પ૨ કે દેશના પછાત જિલ્લામાં કામ કરવાની એમને ધખના હતી. તેમણે ઈચ્છયું હોત તો જર્મની કે ડેન્માર્કમાં શિક્ષણક્ષેત્રે સુવિધાઓ અને સન્માન સાથે રહી શક્યા હોત, પણ એમને સગવડિયા સડક પર ચાલવાનું ક્યાં ક્યારેય ગમ્યું છે ? પંડિત જવાહરલાલ નહેરુએ પણ જશીબેનને જણાવેલું, “આપ કે પતિ કો હમારે સાથ કામ કરને કે લિયે હમને બહુત કહા થા. લેકિન વે આયે નહીં. વો ટીચર બન ગયે !'

‘સ્મરણયાત્રા’માં નોંધાયા મુજબ રઘુભાઈએ એક પરિવારજનને કહ્યું, “ભરત ! ઘરશાળામાં કામ કરવું સહેલું હતુ. ભણેલા ગણેલા માતાપિતાનાં બાળકો થોડા જ્ઞાન સાથે ભણવા આવતા. એ પરિવારનાં બાળકોને ઘરનાં વાતાવરણમાંથી પણ ઘણું બધું મળી જતું. એનાથી તદ્દન કરુણદશામાં (સરસપુરના) આ પરિવારો જીવે છે. એથી આ લત્તામાં કામ કરવાનું પસંદ કર્યું છે.' 

આ વિદ્યાયજ્ઞમાં સહભાગી થવા જશીબેનને પ્રેરવા રઘુભાઈ કહે છે ઃ “શિક્ષણ માટે લત્તો ન જોવાય. લત્તો જોઈને શિક્ષણ આપી શકાય.” સમભાવી રઘુભાઈએ એ વખતે કહેલું, “જે નથી ભણી શકતા ને અકાળે કામે લાગી જાય છે એમને આપણે હૂંફ ન આપી શકીએ ?”

રઘુભાઈ પર દિલ્હીમાં ગુજરાતી શાળાનો શુભ-આરંભ કરવાનું દબાણ થવા માંડ્યું ત્યારે પણ એમનું એક જ રટણ : ‘દિલ્હીમાં તો કોઈપણ આચાર્ય આવી જશે. આ ગરીબ લત્તામાં કામ કરવા કોણ આવશે ?’

“Do it now” નો જુસ્સો ધરાવતા રઘુભાઈની કાર્યતત્પરતામાં જ એમના શમણાં સાકાર થવાનું રહસ્ય જણાઈ આવે છે. ગમે તે કામ હોય : શિક્ષણનું કે સફાઈનું, ક્યારા બનાવવા હોય કે બાંકડા રંગવા હોય, છાપરાંનાં કાણાંમાં કલાઈ પૂરવી હોય કે ચાની લારી ચલાવવા નિરાશ્રિત સૂરજમલને ઘરમાંથી કપ-રકાબી આપી દેવાનાં હોય ! કરવા જેવાં કામ તરત થવાં જોઈએ.

સંકલ્પવીર રઘુભાઈ જશીબેનને કહે છે : “આ શાળાને પુર્નજન્મ ન મળે ત્યાં સુધી આપણે ખાસ કારણ સિવાય સંસ્થાનો કેમ્પસ છોડવો નહીં." છેવટે જ્યારે સંસ્થાનું ટ્રસ્ટ રચી શકાયું ત્યારે ઉમંગભેર જાહેર કર્યું : “પૂલ ઓળંગવાનો આજે સારો દિવસ છે.”

માલિકીના મોહમાંથી સદા મુક્ત રઘુભાઈના વિચારો ‘સ્મરણયાત્રા’માં નોંધાયેલ છે : “જુઓ, આ શહેરમાં મોટાભાગની શાળાઓ માલિકીની શાળાઓ છે. મને તો લાગે છે કે દરેક સંસ્થાન ટ્રસ્ટ હોવું જોઈએ. સંસ્થાને ટ્રસ્ટ હોય તો કેળવણીના પ્રશ્નો સમજી શકતા હોય એવા નાગરિકોને સંસ્થામાં ભેળવી શકાય અને આખરે એકને બદલે વધારે લોકોની એ શાળા બને.'

સારા શિક્ષકોની સદા ગોતમાં રહેતા રઘુભાઈ આમ માને છે : “એક સારો શિક્ષક મળે તો શાળાની પ્રગતિ આપોઆપ થવા લાગે અને શાળાની પ્રતિષ્ઠા પણ વધે.” આવા શિક્ષકપ્રેમી રઘુભાઈની શાળામાંથી આરંભકાળે, એક જ સપ્તાહમાં આઠ શિક્ષકોએ શાળા છોડી ! એ વખતે જશીબેનનો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈને ધૈર્યવાન રઘુભાઈ એમની આગવી ઢબે બોલી ઊઠે છે : “વાહ રે ! આ આફતોની જયાફતો ઉડાવતા જવાનું ગીત ગાવા માટે જ હતું ? સમજીને જીવવા માટે નહીં ?”

શુદ્ધ હેતુથી કરેલું કામ ઊગી જ નીકળે છે એવો વિશ્વાસ ધરાવતા રઘુભાઈને ન જણાવવાની શરતે ગુજરાત-ગૌરવ મોરારજીભાઈ દેસાઈએ કહેલું : “રઘુભાઈ જે કામ કરે છે તે ખરી રીતે તો રાષ્ટ્રનું કામ કહેવાય ' કામગરા રઘુભાઈએ દિલ્હી ખાતે સરદાર પટેલ વિદ્યાલયમાં કામ શરૂ કર્યું ને અઢાર વર્ષ પછી છૂટા થયા ત્યાં સુધી એમણે એપોઈન્ટમેન્ટ લેટર માંગ્યો ન હતો અને શું પગાર મળશે એની કોઈ સ્પષ્ટતા પણ કરી ન હતી ! લેખિકા જશીબેનના મતાનુસાર - ‘રઘુભાઈ અને હ૨ભાઈના વિચારો ઘણી વાતોમાં સરખા જ લાગતા. એમના જવાબો હંમેશા સમતોલ વાણીમાં મળતા.” જશીબેન

દ્વારા ‘શુકન’ શબ્દનો પ્રયોગ થતાં રઘુભાઈ કહી ઉઠે છે : “હરભાઈ ત્રિવેદીની દીકરીને

વળી શુકન શું ને અપશુકન શું ? સારાં કામ કરો ને શુકન દોડતાં આવશે.” જીવન ધ્યેયની તેમની ધૂન એકમાર્ગી ન હતી. તેથી તેઓ પારિવારિક જીવનની ઉપેક્ષા ન કરતા. ‘સરસ્વતી'નું ટ્રસ્ટ થયાની ખુશાલીમાં તેઓ આખા દિવસ માટે ઘોડાગાડી ભાડે કરે છે ને પુત્ર પ્રશાંતને સાબરમતીને કાંઠે રમાડે છે. લેખિકા નોંધે છે : “ગમે તેવો પ્રોજેક્ટ હોય, પ્રશાંત હંમેશા એક મધ્યબિંદુ તરીકે જીવનમાં બની રહ્યો હતો.

આજે પંચાણુવર્ષની શિક્ષણની અનન્ય વિભૂતિ એવા પદ્મશ્રી રઘુભાઈની શૈક્ષણિક સાધનાની કદર કરીને ધન્ય થવાનું ગુજરાત માટે હજુ બાકી રહ્યું છે. પોતાના અંગત વિકાસની અનેક તકોની સામે ઊંચી આંખે ન જોનાર રઘુભાઈની સરસ્વતી સાધના વખત જતાં દંતકથા જ બની રહેશે કે શું ?

કર્મવીર રઘુભાઈ નાયકને પગલે પગલે ચાલવાનું નહીં પરંતુ જોડાજોડ ચાલી શકવાનું ગૌરવ ધરાવતાં સુ. શ્રી જશીબેન, આ ‘સ્મરણયાત્રા'નાં લેખિકા તેમજ નાયિકા છે.

તેઓ ગુજરાતના પ્રખર કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદીનાં પુત્રી છે. વિદ્યા, સેવા, સાહિત્ય અને સંગીતનાં સંસ્કારોથી તેઓ વિભૂષિત છે. એમનો નોંધપાત્ર ગુણ છે : સામે આવેલા સંજોગોને પોતાની રીતે સમજવા પ્રયાસ કરવો અને તે પછી તેનો ક્રિયાશીલ પ્રતિભાવ કે વ્યવહાર કરવો. આ પુસ્તકમાં પોતાનો પરિચય આપતાં તેમણે લખ્યું છે : “નાનાભાઈ (હરભાઈ)ના વિચારો અને રઘુભાઈની કાર્યકુશળતાનો સમન્વય કરવાના મારા પ્રયત્નો છે. એકની દીકરી છું, શિષ્યા છે, તો બીજાની સહધર્મચારિણી છું.'

આઠ માસના પુત્ર પ્રશાંત સાથે ભાવનગરથી અમદાવાદના ગરીબ અને ગંદા સરસપુર વિસ્તારને જોવા આવેલાં જશીબેન પ્રથમ નજરે બેચેન અવશ્ય થયાં, પરંતુ સંસ્કારબળે એમનાં ચિત્તમાં ઝબકારો થયો : “આથમતા સૂરજને થોડું થોડું પ્રકાશ ફેલાવવાનું વચન આપતું નાનકડું કોડિયું બનવાની વાત મારા જ ઘરમાં, એ વાતને સમજવામાં આટલી બધી વાર ?' અને વળતાં ટ્રેનમાં પુત્ર પ્રશાંતની સાક્ષીએ પતિના સૂરમાં સૂર મેળવીને જશીબેન ઉદ્ગારે છે : ‘સરસપુરનાં બાળકોને હું મારા બાળકો માનીશ !' 

માતા જશીબેને સરસપુરની ‘સરસ્વતી'ને સમર્પિત થવાનું સ્વીકારી તો લીધું છતાંય નોકર ભીખાને પ્રિય પ્રશાંતને સોંપીને શાળાએ જતાં એમનું હૃદય કેવું કોચવાયું હશે ! પણ એ ભાવ ઘડીભર ટક્યો હશે ? કેમ કે જૂની મિલના રીપેર કરાવેલા ઓટલા પર ઝૂકેલી લીમડાની ડાળ પર પ્રશાંતનું ઘોડિયું ગોઠવી શકાતાં તેઓ ભારે પ્રસન્નતા અનુભવે છે ' લાગે છે કે જશીબેન શિશુ અને શાળાને સમાંતર રીતે છેરી રહ્યા હતાં ! એટલે જ તો શાળા માટે જમીનનો સોદો કરી લીધાં પછી તરત જ સાત હજાર રૂપિયા ભેગા કરવાની સમસ્યા આવી ઊભી ત્યારે જશીબેને પોતાની બંગડી ઊતારી આપી !

ગૃહિણી તરીકે આર્થિક સંકડામણ અનુભવતાં જશીબેનથી એકવાર પતિને પૂછાઈ પણ જવાય છે : હવે સંસ્થાને આર્થિક રીતે થોડી સગવડ થવા લાગી છે તો : આપણે પગાર ભલે થોડો, પણ લઈ શકીએ કે નહીં ?”

રધુભાઈનો જવાબ : “બસ થાકી ગયાં ? હજુ તો મંજિલ દૂર છે હોં !” અમેરિકાની શૈક્ષણિક-મુલાકાત માટે જવા અંગે રઘુભાઈને ‘સરસ્વતી’ સંદર્ભે સંકલ્પ-વિકલ્પ થાય છે ત્યારનો જશીબેનનો જુસ્સો સાંભળવા જેવો છે : તો પછી શું તમને મારી તાકાત ઉપર શ્રદ્ધા નથી ? છેલ્લાં સાત-આઠ વર્ષથી તમારી સાથે કામ કરું છું. ત્યારે ઘણું બધું તમારી પાસેથી શીખી લીધું છે. અને વળી કામ કામને શીખવશે.”

અમેરિકાથી પરત આવેલા રઘુભાઈને જશીબેન માટે એટલો વિશ્વાસ બંધાયો કે તે વખતે ક્રિમિનલ-એરિયા ગણાતા અસારવા વિસ્તારમાં શરૂ થતી ‘સરસ્વતી’ની શાળા-શાખાના પ્રથમ આચાર્યપદનો ભાર મના ખભા પર મૂકતી વખતે એમણે કહ્યું, “સરસ્વતીના આદર્શો અને પ્રણાલિકાઓ તમે ત્યાં સારી રીતે વ્યવહારમાં મૂકી શકશો એમ હું માનું છું."

દિલ્હીની શાળામાં પણ વાઈસ પ્રિન્સિપાલના પદને પૂરતો ન્યાય આપી શકેલાં સીધાં-સાદાં જશીબેનને જોઈને એક વાલી - માતા પોતાનાં બાળક પાસે બોલી ઊઠી, ‘તેરે સ્કૂલ કી વાઈસ પ્રિન્સિપાલ તો સુત કી સાડી પહન કે આતી હૈં ઔર ગહને તો ઉનકે શરીર પર દેખતી નહીં હૂં !'

“સ્મરણયાત્રા’”ના વાચન દરમિયાન વાચકને જશીબેન-રઘુભાઈના દાંપત્ય- જીવનની ઝલકનું દર્શન થયાં કરે છે.

‘સરસ્વતી’ને સંભાળવા માટે કૃતસંકલ્પ રઘુભાઈ જશીબેનને ભાવનગર છોડવાની ફરજ પાડતા નથી. ભરબપો૨ે વધારે બેડોળ લાગતી સરસપુરની એ શાળાની દીવાલ પાસે એમણે જશીબેનને કહ્યું “આપણે આ શાળાનું સંચાલન લઈએ. આ નિર્ણય પહેલાં આ બધું જોવા માટે હું આપને અહીંયા લાવ્યો છું." 

આ નિર્ણય અ-સામાન્ય હતો. ‘ઘરશાળા'ની સુવિધા છોડીને સરસપુરમાં સુવિધા પાથરવાનો સંકલ્પ સજોડે કરવાનો હતો. રધુભાઈની આ માટેની ઘખનાને અડકી શકેલાં જશીબેન ઘડીક પછી કહે છે: “તમારી જીવનસાથી છું, તમારી વાત મેં સ્વીકારી લીધી.” અને બંને હસી પડ્યા ! પછી તો જશીબેન શાળાની એ જમીન પરથી રઘુભાઈની સાથોસાથ લોઢાનાં

ટુકડાઓ વીણવા માંડે છે ને અધરાતે દીવાલ તોડવામાં સાથ દેતાં પોતાની હથેળી પર

ફોલ્ટે ફોલ્લા થવા દે છે !

એકવાર નવા સત્રના આરંભે બાળકોનાં વંશ-વર્તનમાં અપેક્ષિત ફેરફારો દેખીને આ દંપતી કેવું હરખઘેલું થયું હશે તેનો અંદાજ આવે છે ? લેખિકા કહે છે : (એ વખતે) “જો આટલા બધા શિક્ષકો અને બાળકો ન હોત તો અમે એકબીજાને ભેટી પડત

લેખિકાએ અંતર અવલોકન કરતાં નોંધ્યું છે : “વળી એમના વિચારો અને યોજનાઓ મારા ક્યારે બની જતાં એની મને જ ખબર રહેતી નહીં. અમારાં શરીર જુદાં છતાં પણ મન અને વિચારોમાં સામ્ય અને ઐકય કાયમ રહેતું."

પિતા હરભાઈએ પણ એકવાર પરિતોષપૂર્વક કહેલું : “તમારા કાર્યક્ષેત્રમાં

પતિ-પત્ની એકબીજાને સમજી શકે એ મારે મન ગૌરવરૂપ છે. તમે સુખી જ રહેવાના 1.''

આગંતુકનું સ્વાગત કરવા સદા તત્પર આ દંપતીનું એકત્વ જોઈને કવિ પ્રિયકાંત મણિયારની કવિતા સાંભરી આવે : “આ ચાલ્યા ચરણ તે કાનજી ને પગલી પડે તે રઘુ "

રઘુભાઈ-જશીબેને કંડારવા માંડેલી કેડી પર સમયાંતરે એક ત્રીજા નવયુવાને પગલાં પાડવા માંડ્યા. તે હતા શ્રી વિઠ્ઠલભાઈ ઓઝા. ગામડેથી ધોતિયું-ટોપી પહેરીને મામા સાથે ‘સરસ્વતી'માં પ્રવેશ મેળવવા આવેલ એ તરુણે, જોતજોતામાં, પોતાનાં સુંદર હસ્તાક્ષરો અને અંગ્રેજી પરના પ્રભુત્વ થકી નાયક-દંપતીનું ધ્યાન ખેચ્યું . આગળ જતાં એ વિદ્યાર્થી ‘સરસ્વતી ને સમર્પિત થઈ જાય છે. એના એ સમર્પણને દેશમાં ને પરદેશમાં ભારે પગાર સાથેના ઊંચા હોદાઓની દરખાસ્તો અટકાવી શકી નહીં.

ગરીબીને લીધે આગળ ભણવા માટે નિરુપાય વિદ્યાર્થી વિઠ્ઠલભાઈને રધુભાઈએ શિક્ષણકાર્ય સોંપ્યું. પછી તો એમને એસ.ટી.સી. કરાવ્યું. બી.એડ્. કરવા દિલ્હી મોકલ્યા.

આ નીવડેલા શિક્ષકને બીજે જવાની છૂટ આપવામાં આવી ત્યારે તે બોલી ઊંચા મને જે દિવસે ‘સરસ્વતી' કાઢી મૂકશે ત્યારે જોયું જશે. આજે તો મારા વિચારોમાં કોઈ ફેરફાર નથી. આ વખતે રઘુભાઈ એમને મૂલ્યવાન પ્રમાણપત્ર આપે છે : “વિઠ્ઠલભાઈ, તમે સરસ્વતીના સાચા દીકરા છો." જશીબેનનું પણ એમના વિશેનું અવલોકન આવું રહ્યું : “સરસ્વતી વિદ્યાલયમાં આવ્યા પછી તે શાળામય બનતા જાય છે. આપણે એક સરખું જ વિચારીએ છીએ.”

સરસ્વતીના સપૂત વિઠ્ઠલભાઈએ દિલ્હીથી પરત અમદાવાદ આવતા નાયક દંપતીને સંદેશો મોકલ્યો : “તમે કઈ ટ્રેનમાં આવો છો ? અમને તો એમ લાગે છે કે અમારો આત્મા અહીં આવી રહ્યો છે." આ તો તત્કાળ હરખની હેલી, બાકી પોતાની અસલ અનુભૂતિ વ્યક્ત કરતાં વિઠ્ઠલભાઈએ શ્રી એચ. એમ. પટેલને કહેલું : “સરસ્વતીનો આત્મા (નાયક દંપતી) સદેહે ભલે દિલ્હીથી આવ્યો પણ અમારી સાથે એ કાયમ સરસ્વતીનાં મકાનમાં હરતો ફરતો રહ્યો છે.”

વીર હનુમાનને જેવી સીતા-રામ માટે ભક્તિ હતી તેવી વિદ્યાર્થી વિઠ્ઠલભાઈને જશીબેન-રઘુભાઈ માટે ઉત્કટ ભક્તિ રહ્યા કરી છે. તેના પ્રમાણ ‘સ્મરણયાત્રા' માંથી સહજમાં મળી રહે છે. આ પુસ્તક ‘સ્મરણયાત્રા' એ લેખિકા જશીબેનનું આત્મકથાનક નથી, પરંતુ

સ્વરૂપમાં ‘સરસ્વતી’ની વિકાસગાથાનો ઇતિહાસ છે. આથી તેમાં શિક્ષણ સંદર્ભે પ્રેરક

કહી શકાય તેવી ઘણી સામગ્રી સહજમાં પ્રાપ્ત થાય છે.

કેળવણીને ગ્રામ-અભિમુખ કરવાની જરૂરિયાતનો સ્વીકાર કરવાની સાથે ગંદકી અને ગરીબાઈથી ગ્રસ્ત નગરના છેવાડાના વિસ્તારના ઉત્થાન માટે થયેલ નાયકના નગર-પ્રસ્થાનનું ગૌરવ ગ્રામ પ્રસ્થાન કરતાં જરાય ઊતરતું જણાતું નથી

સામાન્ય સંચાલકો શિક્ષક-શિક્ષક વચ્ચે ભાગલા કરાવીને ‘રાજ’ કરતા હોય છે. જ્યારે અહીં તો તેમની વચ્ચે સંવાદ સાધવાના સફળ પ્રયાસ થયેલ છે. ડિવાઈડ એન્ડ રુલની નીતિ શૈક્ષણિક સંસ્થાના હિતમાં હોઈ શકે નહીં. સંસ્થાનો સંઘભાવ (ટીમ સ્પિરિટ) જ તેની કાર્યલક્ષી ચેતના હોવાનું આ પુસ્તકમાંથી સમજાઈ રહે છે.

અભ્યાસક્રમરચના, પરીક્ષા સુધારણા, શૈક્ષણિક પ્રકલ્પોને પ્રયોગો, સહ અભ્યાસ પ્રવૃત્તિઓ વગેરે જેવા શાળા-સંસ્થાને લગતાં તમામ પાસાંઓના નિર્દેશો કે નિર્દેશનો આ પુસ્તકમાં એક યા બીજી રીતે આવરી લેવાયેલા છે. પહેલાં શિક્ષકસંઘ, પછી વાલી સંઘ અને તે પછી વિદ્યાર્થીસંઘની સ્થાપના તો વામનનાં ત્રણ વિરાટ પગલાં જેવાં અહીં સિદ્ધ થયેલા જણાઈ આવે છે.

શિક્ષણક્ષેત્રે કશુંક રચનાત્મક કાર્ય કરવા ઇચ્છતા યુવાનોને આ ‘સ્મરણયાત્રા’ કઠોર વાસ્તવિકતાઓનો પણ અંદાજ આપે છે. સમગ્રતયા માનવીય સ્પર્શ (હ્યુમન ટચ) જ મહદ્ અંશે ‘સરસ્વતી'ની ગતિ-પ્રગતિનું ચાલકબળ હોવાનું જણાઈ આવે છે. 

‘સરસ્વતી’ના શૈક્ષણિક વિકાસની સામગ્રી ધરાવતું આ પુસ્તક ‘સ્મરણયાત્રા’ એક વિશિષ્ટ સાહિત્ય-કૃતિ તરીકે પણ કેટલીક વિશેષતાઓ ધરાવે છે. 

પ્રસંગ, પ્રકૃતિનું વર્ણન કે સંવાદ દ્વારા આરંભના પ્રત્યેક પ્રકરણો તેમાં પ્રવેશવા માટે વાચકને આકર્ષે છે. સંવાદો તો એટલા સહજ છે કે તે વસ્તુવિકાસમાં સહાયક થવાની સાથે ‘સ્મરણયાત્રા'ને મૂંગી થવામાંથી બચાવી લે છે. કેટલાક સંવાદોની વ્યંજના માણવા જેવી છે : જેમ કે,

લક્ષ્મણ : “ના, સાહેબ, આવી અંધારી ઓરડીમાં તો હું પણ ન રહું, પછી તમે ?'

રઘુભાઈ ઃ “લક્ષ્મણ, એ અંધારી ઓરડીમાં અજવાળું કરવું એ તો આપણું કામ છે ને ?'

લેખિકાએ લેખનમાં ફ્લેસબૂકની પ્રયુક્તિનો ચારેક વખત ઉપયોગ કરીને પોતાનું લેખન-કૌશલ્ય સિદ્ધ કરી બતાવ્યું છે.

પ્રસંગોનું નિખાલસ, પ્રામાણિક અને તાદશ વર્ણન વાચકને “સરસ્વતી'નો સહજમાં સભ્ય બનાવી દે છે. રોટલીનો ટુકડો ઝડપવા ભિખારીનું દોડવું, મધરાતે ચૂપકે ચૂપકે દીવાલ તોડવી, શાળાનો ઘંટારવ બંધ કરાવવા મજૂરોનું આવવું, સરકાર દ્વારા ‘સરસ્વતી’ની જમીન ખરીદી લેવાની કાર્યવાહી થવી, સુવર્ણ ઉત્સવ વગેરે જેવા કેટલાય પ્રસંગોનું આલેખન એવું પ્રભાવક થયું છે કે વાચક જાણે જે તે સમયે હાજર હોવાનું અનુભવે.

કેટલાંક વિધાનો પણ વાંચીને થોભી જવા માટે મજબૂર કરે તેવાં ચોટદાર છે : (દીવાલ તૂટી ગયા પછી) વર્ગમાં અજવાળું થઈ ગયું.' (જીવનનું ઝંઝાવાતી પ્રકરણ સંભારીને રઘુભાઈ શાંત થયા ત્યારે) જાણે કોઈ નાનકડી આંધીમાંથી પસાર થઈને પાછા મારી નજીક આવીને બેઠા’, ‘છોડવાં વાવવાનું કામ રઘુભાઈએ જાતે કર્યું, કોઈથી કદાચ મૂળ તૂટી જાય તો ?', 'અમારો સુવર્ણ-જયંતી ઉત્સવનો એ દિવસ દસ દિવાળી ભેગી ઉજવાતી હોય તેવો લાગતો હતો.

દેશ ને નગરની યુદ્ધોતર પરિસ્થિતિ, આઝાદી મળ્યા અગાઉ, દરમિયાન અને પછીની ભાગલા જેવી ઘટનાઓનું લેખિકાનું અનુભૂત વર્ણન ‘સ્મરણયાત્રા’'નું ઈતિહાસ સંદર્ભે મૂલ્ય વધારે છે.

લેખિકા જશીબેને કથા-આરંભ સમયની પોતાની અપક્વ સમજ, ગૃહિણી સહજ આર્થિક અપેક્ષા, માતૃસહજ આસક્તિ જેવી વાતો નિખાલસપણે વ્યક્ત કરી છે, પોતાના વ્યક્તિત્વને પ્રયાસપૂર્વક ‘હાઈલાઈટ’ કરેલ નથી. ખાસ તો કેવળ સુખના સાથીમિત્રો માટે, ઉપેક્ષા અને આક્ષેપો કરતા કેટલાક વાલીઓ માટે, શાળા છોડી 
ગયેલા શિક્ષકો માટે, કોઈને માટે પણ પુસ્તકમાં કટુતા દેખાતી નથી. લેખિકાનું ગુણાનુરાગી વ્યક્તિત્વ અહીં બરાબરે કલમે ચડયું છે. સ્મરણયાત્રા'માં ઠેરઠેર વીણાવાદનનો અહેસાસ કરાવતી ગીત-કાવ્યોની પંક્તિઓ પ્રસન્નકારી છે. ત્યાંસી વરસને આરે બેઠેલાં લેખિકાની તરોતાજા સ્મૃતિ થકી આવું રસાળ ગ્રંથ-ફળ આપણને પ્રાપ્ત થયું છે.

ભારતીય સાહિત્યની પરંપરા પ્રમાણે ‘સ્મરણયાત્રા' સુખાંત કૃતિ બની છે. અંતભાગે વાચકને ઉત્સવ અને માંગલ્યના માહોલમાં મૂકી દેવાયેલ છે. વાચકના હાથમાં ને હૈયામાં મજબૂત સંકલ્પનો મશાલ છાપ દીવો મૂકી દેવાયો છે કે જે સાર્થક કરવા ધારેલાં જીવનમાં આવતા તોફાનોમાં પણ અવિચળ રહીને મથ્યા રહેવાને પ્રેરતો રહે છે.

શિક્ષણ તેમજ સાહિત્યક્ષેત્રે યાદગાર કહી શકાય તેવી આ ‘સ્મરણયાત્રા'માં સહભાગી થવા દરમિયાન મને તો સાથોસાથ આ સિને-ગીત પણ અનુભવાયા કર્યું છે.

નિર્બલ સે લડાઈ બલવાન કી
યહ કહાની હૈ દીયે કી ઔર તુફાન કી !'

-ઈશ્વર પરમાર 
મોરપીંછ, સિદ્ધનાથ સામે, દ્વારકા.

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.