પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસબાપા પ્રેરિત શ્રી હરિહર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણી 11 વહાલસોયી દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન ધામધૂમથી પરિપૂર્ણ
પિતા વિહોણી 11 વહાલસોયી દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન ધામધૂમથી પરિપૂર્ણ
અમદાવાદ નિકોલ ખાતે આવેલ મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં તારીખ 3 ડિસેમ્બર 2023 ને રવિવારના રોજ પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસબાપા પ્રેરિત શ્રી હરિહર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાપ વિહોણી 11 વહાલસોયી દીકરીઓનો સમૂહ લગ્નનું નિશુલ્ક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 11 દીકરીઓમાંથી બંને પગે દિવ્યાંગ એક દીકરીના વ્હીલ ચેરમાં બેસાડીને લગ્ન કરવામાં આવ્યા તે દ્રશ્ય જોઈને દરેકના આંખોમાં હર્ષના આસું આવી ગયાં હતા. આ સમૂહ લગ્નમાં દાતાઓના સહકારથી દરેક કન્યાને સોનાના સેટ સહિત બીજી 50 થી વધુ ઘર વખરી કરિયાવરમાં આપવામાં આવી હતી. સંસ્થાના ખર્ચે લગ્ન અગાઉ કન્યાના સાસરે મોકલી આપવામાં આવી હતી. કન્યાને ઘર મેળે મંડપ અને પીઠી માટે અલગથી ફંડ આપવામાં આવ્યું હતું. દરેક કન્યા માટે બ્યુટી પાર્લર ટીમ પણ સંસ્થા તરફથી રાખવામાં આવી હતી. 150થી વધુ સ્વયંસેવક મિત્રો સમૂહ લગ્નમાં ખડે પગે ઊભા રહીને પ્રથમ વાર યોજેલ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પિતા વિહોણી ૧૧ દીકરીઓના સમૂહ લગ્નમાં માતા-પિતા વિહોણી એક દીકરી બંને પગે અપંગ છે જેની આંખોમાં હર્ષના આસું વહી રહ્યા છે એક શ્રીમંત પરિવારમાં લગ્ન લેવાય તેવા ધામધૂમથી લગ્ન થઈ રહ્યા છે તેનો આનંદ બંને દિવ્યાંગ નવદંપતિની આંખોમાં જોઈને આયોજક શ્રી હરિહર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સ્વયંસેવકો અને દાતાઓના આનંદની સીમા રહી નથી. માનવ જીવન સફળ કર્યાનો આનંદ દરેકની આંખોમાં જોઈ શકાય છે. ગુજરાત અને ગુજરાત બહારથી પણ જાન પધારવાની હતી તેથી તેના માટે નિકોલ કોમ્યુનિટી હોલમાં ઉતારો રાખવામાં આવ્યો હતો. ઉતારેથી બપોરે 4 કલાકે વાજતે ગાજતે ડીજે ના તાલ સાથે ફટાકડા ફોડતાં ફોડતાં જાન એક સાથે શોભાયાત્રા સ્વરૂપે નીકળીને 5 વાગે લગ્ન સ્થળે પહોંચી ત્યારે તમામ વરરાજાને મંડપની વચ્ચે કન્યાઓએ વરમાળા પહેરાવી હતી. દરેક કન્યાપક્ષ અને વરપક્ષ તરફથી 100 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એક શ્રીમંત પરિવારમાં દીકરીના લગ્ન થાય તે રીતે વાજતે ગાજતે ધામધૂમથી લગ્ન દાતાઓના સહયોગથી સંપન્ન કરી શક્યા છીએ. સ્ટેજ પરથી દરેક દાતાઓનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભના મુખ્ય દાતા શ્રી નારણભાઇ ફુલેત્રા ભવ્ય અને વ્યવસ્થિત આયોજન જોઈને કિશનભાઈની પીઠ થાબડીને બોલ્યા કે 25-50 કરોડના મંદિર કરતાં વધુ પુણ્ય અને આશીર્વાદ તમારી સંસ્થાએ મેળવી લીધા છે. સમારંભની ભવ્યતા જોઈને સમારંભના મુખ્ય દાતાઓ શ્રી પ્રવીણભાઈ કપોપરા, શ્રી કાંતિભાઈ ફિણાવા, શ્રી નાગજીભાઈ શીંગાળા, શ્રી સુરેશભાઈ વાસિયાણી, શ્રી દિપકભાઈ માંકડિયા, શ્રી જયેશભાઇ ભૂત, શ્રી મુકેશભાઈ ગરધારીયા અને બીજા હાજર તમામ દાતાઓ આનંદવિભોર થઈને આશ્વાસન આપ્યું છે કે સંસ્થાને ભવિષ્યમાં આવા બીજા માનવીય સેવા કાર્યોમાં અમે તમારી સાથે છીએ. જમણવારમાં પીઝા અને દહીંવડાંના બે કાઉન્ટર સાથે ડીશમાં સીતાફળી બાસુંદી, અંજીર હલવો, બે શાક, રોટલી, પુરી, લાઈવ ભજીયા, દાળ ભાત, પાપડ, સલાડ, છાશ ને મિનરલ વોટરની વ્યવસ્થામાં સંસ્થાએ પધારેલ 1700 જેટલા મહેમાનોને દિલ દઈને જમાડ્યા હતા. જાણીતાં ગાયક કલાકાર રમેશ હીરપરાએ ચાર્જ લીધા વગર લગ્નગીતની મોજ કરાવી હતી. દિવાળીના તહેવારોમાં ઉભી થતી રક્તની અછત દૂર કરવાના ભાગરૂપે સમારંભમાં માનવીય સેવા અંતર્ગત યુથ હોસ્ટેલ બાપુનગરના સહયોગથી યોજેલ રક્તદાન શિબિરમાં 22 રક્તદાતાઓએ રક્તદાન કરીને સોનામાં સુંગંધ ભેળવવાનું ઉત્તમ કાર્ય નિભાવ્યું હતું. સ્વયંસેવકોના આગ્રહને માન આપીને જમણવારમાં અન્નનો લેશમાત્ર બગાડ નહિ કરીને સમાજને એક સુંદર મેસેજ આપ્યો હતો. પ્રસંગ દરમ્યાન એક ચમત્કાર એવો થયો કે પિતા વિહોણી દીકરીઓ ને બાપા બજરંગદાસની અંતરથી આશીર્વાદ પ્રાપ્ત થયાં છે તે લગ્નસ્થળથી 500 મીટર દૂર વરસાદ પડ્યો હતો પણ આ લગ્નસ્થળે અમી છાંટણા કરીને અટકી ગયો હતો. મુકેશ પડસાળા અને કમલેશ કકાણીએ મીડિયા કવરેજ અને સફળ માઈક સંચાલન કર્યું હતું.
Comments
Post a Comment